૫૦ સેન્ટમાં આપ – ગાંડાભાઈ વલ્લભ

Corner store

ઘણાં વર્ષો પહેલાંની – લગભગ ચોવીસેક વર્ષો પહેલાંની આ વાત છે. અમારાં એક સંબંધી પાસે વેલીંગ્ટનમાં શોપ હતી. એ શોપ વેલીંગ્ટનના એક પરામાં અમે રહીએ છીએ ત્યાંથી લગભગ ૩૦થી ૩૫ કીલોમીટીર દુર છે. એ લોકો હોલીડે કરવા કેટલાક સમય માટે દેશ જવાનાં હતાં આથી એ શોપ સંભાળવાનું અમને કહ્યું.

જે વીસ્તારમાં એ શોપ હતી ત્યાંની લોકાલીટી કંઈ બહુ સારી તો ન હતી, પણ અમારાં એ સંબંધીઓને હેલ્પ થાય એટલા માટે અમે, એટલે કે મેં અને મારાં પત્નીએ શોપ સંભાળવાનું સ્વીકાર્યું હતું. હા, કુદરતી સૌંદર્યની દૃષ્ટીએ તો સ્થળ ઘણું જ રળીયામણું છે. એક ડુંગર પાર કર્યા પછી આ નાનકડો કસ્બો શરુ થાય છે, કંઈક અંશે થોડો ઉચ્ચ પ્રદેશ કહી શકાય એવો એ એરીયા છે. આથી જ કદાચ વેલીંગ્ટન કરતાં ત્યાં ઠંડી વધુ હોય છે. વેલીંગ્ટનમાં સ્નો ભાગ્યેજ પડે છે – અમારા ચાળીસ વર્ષના અહીંના વસવાટમાં માત્ર એક જ વાર સાવ નજીવો સ્નો પડેલો અમે જોયો છે, પણ જે સ્થળની હું વાત કરું છું ત્યાં કોઈ કોઈ વાર શીયાળામાં સ્નો પડે છે.

શોપમાં આવનારાં મોટા ભાગનાં લોકો બહુ ફ્રેન્ડલી હોવા છતાં પણ કોઈ કોઈ ચોરી કરી જતાં. નાની વસ્તુ બાંયમાં સંતાડીને લઈ જતાં અમુક લોકોને અમે જોયેલાં. એટલું જ નહીં, અમે શોપ સંભાળી ને થોડા સમયમાં રાત્રીના સમયે શોપનું તાળું તોડીને ચોરી થયેલી.

એક દીવસ એક ભાઈ આવ્યા. ચીપ્પીઝ (પોટેટો ચીપ્સ)ની નાની બેગ એને જોઈતી હતી. એણે ભાવ પુછ્યો,
“આનું શું લેવાના?”
મેં કહ્યું, “૮૦ સેન્ટ”
એ કહે, “કેમ એટલા બધા?”
“ભાઈ, આ પ્રકારની શોપમાં એનો બધે આ જ ભાવ હોય છે.”
“તમે લોકો અમને લુંટો છો, મને એ ૫૦ સેન્ટમાં આપ.”
“ના, ૫૦ સેન્ટમાં નહીં મળી શકે, તમારે લેવી હોય તો ૮૦ સેન્ટ આપીને લઈ જાવ.”
આ રીતે એમણે ઘણી જીભાજોડી કરી. છેવટે એને મેં કહ્યું, “તમારા માગેલા ભાવે તમને એ મળી શકશે નહીં. તમને જોઈતી હોય તો ૮૦ સેન્ટ આપીને લઈ જાઓ.”
ત્યારે એ મારા પર ખુબ જ ગુસ્સે ભરાયો અને મને કહે,
“તું બહાર આવ, તને બતાવી આપું.”

આમ કહેવા પાછળનું કારણ અહીંના કાયદા પ્રમાણે એ મારી મારપીટ દુકાનમાં જ, એટલે કે મારી જ પ્રોપર્ટીમાં કરે તો એ ઘણો મોટો ગુનો ગણાય.

મેં એને કહ્યું, “જુઓ, હું કંઈ જંગલમાં નથી રહેતો, જંગલી નથી, હું કાયદાને અનુસરીને ચાલનારો છું. વસ્તુ તમારે ખરીદવી હોય તો એનો અમારો જે ભાવ છે તે આપીને લઈ જાઓ.”
“સારું, હું તને જોઈ લઈશ.”
અને એ ચીપ્પીઝ લીધા વીના ચાલી ગયો.

આ પછી શોપમાં દુધની ડીલીવરી કરનારું કપલ આવ્યું. એ લોકોએ કદાચ અમારી વચ્ચેની વાતચીત, જીભાજોડી ઘણીખરી સાંભળી હશે. એ બંને જણાં ઘણાં ઓલ્ડ હતાં. ઓલ્ડ લેડી મને કહે, “મી. પટેલ, તમે જાણો છો કે તમારી સાથે દલીલ કરનાર કોણ હતો? એ અહીંનો નામચીન અને પહેલા નંબરનો ગુંડો છે. પોલીસ પણ એને કશું ન કરે.”

દેખીતું છે કે અમે એ વીસ્તારથી અજાણ્યાં હતાં, આથી અમને તો કશી જ ખબર ન હતી, કે એ કોણ હતો અને કેવો હતો. પણ મારા સ્વભાવ મુજબ કોઈ ગેરવ્યાજબી માગણી કરે તો તેને તાબે ન થવું, એ રીતે મેં એની સાથે દલીલ કરી હતી. શારીરીક રીતે તો મને એ ચપટીમાં રોળી નાખે તેવી હાઈટવાળો અને મજબુત દેખાતો હતો.

શોપમાં તે દીવસે અમે બંને જણાં હતાં. બાકી કેટલીક વાર શોપમાં મારાં પત્ની એકલાં જ હોય, કેમ કે મારે શોપ માટે ખરીદી કરવા જવાનું હોય. અને કોઈક વાર હું પણ શોપમાં એકલો હોઉં. વળી શોપ સાથે રહેવાની વ્યવસ્થા ન હતી. એટલે કે એ લોકઅપ શોપ હતી. આથી રાત્રે શોપ બંધ કરીને ઘરે જવાનું થાય. પણ મને નવાઈ એ વાતની લાગી કે એ માણસ ફરી મને કદી રસ્તામાં મળ્યો નથી અને નડ્યો નથી કે ફરી કદી અમારી એ શોપમાં પણ આવ્યો નથી. જે મને ધમકી આપીને ગયેલો અને નંબર વન ગુંડાગીરી કરનાર હતો એમ કહેવાતું હતું, તો પછી એણે કેમ કશું કર્યું નહીં હોય? હા, એ ખરું કે મેં એનું કશું બગાડ્યું ન હતું. જે સત્ય હકીકત હતી તે જ મેં એને કહી હતી, કે ૫૦ સેન્ટમાં એ વસ્તુ આપવાનું અમને પરવડે નહીં કે એને એ ભાવમાં આપવામાં આવશે નહીં.

ગાંડાભાઈ વલ્લભ
Wellington, NEW ZEALAND

થવા દે થાય તે, અમને નથી ડર, જોઈ લેવાશે !
જવાની પર ભરોસો છે સદંતર જોઈ લેવાશે !

હેમન્ત દેસાઈ

About kishorecanada

ટોરોન્ટો કેનેડાથી કિશોર પટેલ - શબ્દસેતુનો ગુજરાતી, અંગ્રેજી તેમજ હિન્દીમાં, દેશ-પરદેશના અવિસ્મરણીય સ્વાનુભવોને પ્રકાશિત કરતો બ્લોગ. સ્થળાંતરની સ્મૃતિઓને વાચા આપવાનો એક નાનકડો પ્રયાસ.
This entry was posted in અનુભ​વો ગુજરાતીમાં and tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , . Bookmark the permalink.

3 Responses to ૫૦ સેન્ટમાં આપ – ગાંડાભાઈ વલ્લભ

  1. P.K.Davda કહે છે:

    મુશ્કેલ અનુભવનું સરસ વર્ણન.

    Like

  2. smdave1940 કહે છે:

    Interesting and very good experience.

    Like

  3. mdgandhi21, U.S.A. કહે છે:

    મુશ્કેલ અનુભવનું સરસ વર્ણન.

    Like

Leave a comment